બ્રિટિશ ડિફેન્સ સ્ટાફના વડા સર રિચર્ડ નાઈટને દાવો કર્યો છે કે ૨૦૨૨થી શરૂ થયેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ૫ લાખથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે અને કુલ જાનહાનિ ૧૫ લાખ સુધી પહોંચી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલો ભીષણ સંઘર્ષ આજે પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. એવામાં આ આખા સંઘર્ષને લઈને હવે બ્રિટનના એક ટોચના સંરક્ષણ અધિકારીએ અત્યંત ચોંકાવનારા આંકડાઓ સામે મૂક્યા છે.
બ્રિટિશ સંરક્ષણ પ્રમુખના ચોંકાવનારા દાવા
બ્રિટનના ડિફેન્સ સ્ટાફના વડા એર ચીફ માર્શલ સર રિચર્ડ નાઈટને શુક્રવારે દાવો કર્યો હતો કે ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાના આક્રમણની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ૫ લાખથી વધુ રશિયન સૈનિકો યુદ્ધના મેદાનમાં માર્યા ગયા છે.
-
ઈજાગ્રસ્ત અને મૃતકોની કુલ સંખ્યા ૧૫ લાખ સુધી: બ્રિટિશ સંરક્ષણ પ્રમુખના જણાવ્યા અનુસાર, રશિયાના કુલ મૃતકો અને ઘવાયેલા સૈનિકોની સંયુક્ત સંખ્યા લગભગ ૧૫ લાખ સુધી પહોંચી ગઈ છે. આ આંકડાઓ મોટે ભાગે યુક્રેની સેના દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલા આંકડાઓ સાથે મેળ ખાય છે. જોકે, આ દાવાઓ પર રશિયન અધિકારીઓ તરફથી હાલમાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
-
સૈન્ય સામગ્રી અને સરંજામનું નુકસાન: રિચર્ડ નાઈટને પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે યુદ્ધના મેદાનમાં રશિયાની વિશાળ સેના આગળ વધવા માટે ભારે સંઘર્ષ કરી રહી છે અને આ વર્ષે રશિયન સૈનાની આગળ વધવાની ગતિ પણ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે, સાથે જ તેને શસ્ત્ર-સરંજામનું પણ મોટું નુકસાન વેઠવું પડ્યું છે.











