કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધીના 6-લેન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું છે.

અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર વાહનચાલકો માટે રાહતના સમાચાર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધીના 6-લેન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ કર્યું છે. આશરે રૂ. 464 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ઓવરબ્રિજથી સૌરાષ્ટ્ર તરફથી ગાંધીનગર જતાં વાહનચાલકોને મોટી રાહત મળશે.
નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ કોરિડોર અમદાવાદના નાગરિકો માટે મહત્વપૂર્ણ ભેટ સાબિત થશે. સરખેજ-ગાંધીનગર હાઈવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને ઘટાડવા આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેના કારણે મુસાફરીનો સમય અને ઇંધણ બંનેની બચત થશે.
કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જંક્શન પર ટ્રાફિક ઘટશે
આ એલિવેટેડ કોરિડોર કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને YMCA જેવા વ્યસ્ત જંક્શનો પરથી પસાર થાય છે. પરિણામે હાઈવે પર ટ્રાફિકનો પ્રવાહ વધુ સુગમ બનશે. વાહનચાલકોને વારંવાર ટ્રાફિક જામમાં અટવાવું નહીં પડે.
આ ઉપરાંત મુસાફરીનો સમય ઘટવાથી વાહનોના સંચાલન ખર્ચમાં પણ ઘટાડો થશે. કોરિડોરમાં રોડ સેફ્ટીની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેનાથી અકસ્માતોનું જોખમ ઘટાડવામાં મદદ મળશે.
રૂ. 464 કરોડના ખર્ચે 4.03 કિમી લાંબો કોરિડોર તૈયાર
આ પ્રોજેક્ટની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
-
કુલ ખર્ચ: આશરે રૂ. 464 કરોડ
-
કુલ લંબાઈ: 4.03 કિલોમીટર
-
પહોળાઈ: 26.8 મીટર
-
લેન: 6 લેન
-
વાયાડક્ટની લંબાઈ: 2,940 મીટર
-
એપ્રોચ રોડની લંબાઈ: 1,090 મીટર
ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા નોઈઝ બેરિયર લગાવાયા
ફ્લાયઓવર પરથી પસાર થતાં વાહનોના અવાજથી આસપાસના વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કુલ 5,880 મીટર લંબાઈમાં નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે.
સુરક્ષા અને સુવિધા માટે 297 સ્ટ્રીટ લાઈટો પણ સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપરાંત એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓવરહેડ અને કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ્સ, કેટ આઈસ અને એન્ટીગ્લેર જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે.
કોરિડોરની સાથે 7થી 14 મીટર પહોળાઈ ધરાવતા વ્હાઇટટોપિંગ સર્વિસ રોડ પણ બનાવવામાં આવ્યા છે. આ તમામ સુવિધાઓથી સરખેજથી ગાંધીનગર વચ્ચેની મુસાફરી વધુ સરળ અને સુરક્ષિત બનવાની આશા છે.










