દેશભરમાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે. જોકે, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઉજવાતી પરંપરા કંઈક અલગ જ છે.

દેશભરમાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે. જોકે, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઉજવાતી પરંપરા કંઈક અલગ જ છે. અહીં વર્ષોથી દિવાળીની રાત્રે અનોખું ‘ઇંગોરીયા યુદ્ધ’ રમાય છે. આશરે 150 વર્ષ જૂની આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાઈ રહી છે.
રાત્રિના અંધકારમાં ઇંગોરીયા નામના ફટાકડા એકબીજા તરફ ફેંકવામાં આવે છે. આ દરમિયાન જાણે કોઈ રણભૂમિમાં યુદ્ધ ચાલી રહ્યું હોય તેવાં દૃશ્યો સર્જાય છે. આ અનોખી રમત નિહાળવા માટે સ્થાનિકો ઉપરાંત દૂર-દૂરથી લોકો સાવરકુંડલા પહોંચે છે.
દેવળા ગેટથી નાવલી નદી સુધી જામે છે ઇંગોરીયા યુદ્ધ
સંતો અને શૂરવીરોની ભૂમિ ગણાતા સાવરકુંડલામાં આ પરંપરા લગભગ દોઢ સદીથી ચાલી આવે છે. દિવાળીની રાત્રે દેવળા ગેટથી નાવલી નદી સુધીના વિસ્તારમાં ઇંગોરીયા યુદ્ધનો માહોલ જોવા મળે છે.
રમતવીર પરાગ ત્રિવેદીના જણાવ્યા મુજબ, આ રમતનો ઉત્સાહ અને રોમાંચ અનોખો હોય છે. ખાસ વાત એ છે કે તેમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના યુવાનો જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના સાથે ભાગ લે છે. આમ, આ પરંપરા ભાઈચારા અને સામાજિક એકતાનું પ્રતીક પણ બની છે.
સાંસદ, કલેક્ટર અને ધારાસભ્ય પણ જોડાયા
સાવરકુંડલાની આ અનોખી પરંપરાનો આનંદ માણવા અમરેલીના સાંસદ ભરત સુતરીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, તેમનાં ધર્મપત્ની અને ડાંગનાં એસપી પૂજા યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે નાવલી નદી ખાતે ભવ્ય ફાયર શો અને આતિશબાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાંસદ ભરત સુતરીયાએ ઇંગોરીયા યુદ્ધને પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક ગણાવ્યું હતું.
બીજી તરફ, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ આ રમતને શહેરના ગૌરવવંતા શૌર્ય ઇતિહાસ સાથે જોડાયેલી પરંપરા ગણાવી હતી. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પણ રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સૌને દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
પોલીસ, ફાયર બ્રિગેડ અને તબીબી ટીમ તૈનાત
ઇંગોરીયા યુદ્ધમાં આગના ગોળા જેવા ફટાકડાઓનો ઉપયોગ થતો હોવાથી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. રમત શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર તકેદારી રાખે છે.
દિવાળીની રાત્રે પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને તબીબી ટીમ સ્થળ પર હાજર રહે છે. આ રીતે સાવરકુંડલાની 150 વર્ષ જૂની પરંપરા આજે પણ નવી પેઢીને આકર્ષી રહી છે અને શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ બની રહી છે.










