મધ્યપ્રદેશમાં ત્રણ માળના મકાનમાં ભીષણ આગ, એક જ પરિવારના 6નાં કરૂણ મોત

મહાવીર વોર્ડના જૈન મહોલ્લામાં આવેલા ત્રણ માળના મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના છ સભ્યોનાં કરૂણ મોત નીપજ્યાં છે.

 

મધ્યપ્રદેશના સિવની જિલ્લાના છપરા વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ છે. મહાવીર વોર્ડના જૈન મહોલ્લામાં આવેલા ત્રણ માળના મકાનમાં આગ લાગતાં એક જ પરિવારના છ સભ્યોનાં કરૂણ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ચાર લોકોને રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.

વહેલી સવારે 4 વાગ્યે મકાનમાં ફાટી નીકળી આગ

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના જાણીતા બુલિયન વેપારી કુંદન લાલ સોનીના મકાનમાં બની હતી. વહેલી સવારે આશરે 4 વાગ્યે પરિવારના સભ્યો ગાઢ નિંદ્રામાં હતા. તે દરમિયાન અચાનક ઘરમાં આગ ફાટી નીકળી હતી.

આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે પરિવારના સભ્યોને બહાર નીકળવાની તક મળી નહોતી. થોડી જ મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આખા મકાનમાં ઘેરો ધુમાડો અને આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી.

રેસ્ક્યુ ટીમે ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા

આગની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘટના સમયે મકાનમાં કુલ 10 લોકો હાજર હોવાનું જાણવા મળ્યું છે. ફાયર અને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ ચાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

ઘટનાસ્થળે હાજર એસડીઓપી અપૂર્વ ભલવીએ ટેલિફોનિક માહિતી આપતાં જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમે ત્રણ માળના મકાનમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે.

આગનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

આ દુર્ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોનાં મોત થતાં સમગ્ર સિવની પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ આગ પાછળનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!