Reel-નો શોખ ભારે પડ્યો: ગયાજીમાં નદી કિનારે વીડિયો બનાવતા 9 સ્કૂલી મિત્રો ડૂબ્યા, 5ના મોતથી અરેરાટી

બિહારના ગયામાં સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાનો ક્રેઝ જીવલેણ સાબિત થયો. નદીમાં ડૂબવાથી 9 સ્કૂલી વિદ્યાર્થીઓમાંથી 5 ના કરૂણ મોત થયા છે. આ દર્દનાક ઘટનાની સંપૂર્ણ વિગત જાણો.

બિહાર, રવિવાર
બિહારના ગયા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાનો શોખ 5 વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થયો છે. ગુરુવારે ખિઝરસરાય વિસ્તારમાં કેની પુલ પાસે નદી કિનારે રીલ્સ બનાવતી વખતે 9 મિત્રો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં 5 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે અન્ય 4 ની હાલત ગંભીર છે.

આ રીતે બની આખી ઘટના
મળતી માહિતી મુજબ, આ બધા છોકરાઓ 11મા અને 12મા ધોરણના સ્ટુડન્ટ્સ હતા અને સ્કૂલથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન, તેઓ કેની ઘાટ પાસે નદી કિનારે મોબાઇલ પર વીડિયો અને રીલ્સ બનાવવા માટે રોકાયા હતા. રીલ્સ બનાવતી વખતે ક્યારે તેઓ નદીના ઊંડા પાણીમાં જતા રહ્યા તેની તેમને ખબર જ ના રહી. અચાનક એક પછી એક બધા ડૂબવા લાગ્યા.

પોતાને ડૂબતા જોઈને છોકરાઓએ બૂમાબૂમ શરૂ કરી દીધી. તેમનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ તમામ 9 છોકરાઓને નદીમાંથી બહાર કાઢ્યા.

5 મિત્રોએ જીવ ગુમાવ્યો
નદીમાંથી બહાર કાઢ્યા બાદ તાત્કાલિક બધાને નજીકના બેલાગંજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 7 છોકરાઓને દાખલ કરવામાં આવ્યા અને 2 છોકરાઓની હાલત વધુ ગંભીર હોવાથી તેમને અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રિફર કરાયા. જોકે, બેલાગંજ આરોગ્ય કેન્દ્રમાં સારવાર દરમિયાન 5 વિદ્યાર્થીઓનું મોત નિપજ્યું હતું, જ્યારે 2 ની સારવાર હજુ ચાલુ છે.

આ દુર્ઘટનાની જાણ થતાં જ આખા ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

અધિકારીએ આપી માહિતી
આ ઘટના અંગે નીમુચક બાથણી સબડિવિઝનના SDM કેશવ આનંદે જણાવ્યું કે, સર્કલ ઓફિસર અને SHO ને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ તૌસિફ, જાસિફ, સાહિલ, જામ, સુફિયાન અને સાજિદ તરીકે થઈ છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ અને તેના જોખમો સામે લાલબત્તી ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!