અમેરિકી ટેરિફ, યુદ્ધ અને લેબ-ગ્રોન ડાયમંડ, આખા રાજ્ય પર પડી સુરતના હીરા ઉદ્યોગ પર સંકટની ગાજ

5 વર્ષથી ગુજરાતના હીરા ઉદ્યોગ પર સતત સંકટ આવી રહ્યું છે. તાજેતરમાં અમેરિકા દ્વારા લાગુ કરાયેલા ઉંચા ટેરિફ, લેબ-ગ્રોન ડાયમંડનો વધતો ઉપયોગ અને આંતરરાષ્ટ્રીય તણાવને કારણે લાખો હીરા કારીગરોની નોકરીઓ પર સીધી અસર થઈ છે. જાણો આ મુશ્કેલીઓનો ઉકેલ શું છે.

અમદાવાદ, રવિવાર
છેલ્લા 5 વર્ષમાં ગુજરાતનો હીરા ઉદ્યોગ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, જેના કારણે લાખો કારીગરોની રોજગારી પર ગંભીર અસર થઈ છે. કોવિડ-19 મહામારી, રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-પેલેસ્ટાઈન તણાવ અને હવે અમેરિકાના ઊંચા ટેરિફે આ ઉદ્યોગને નબળો પાડ્યો છે.

તાજેતરમાં અમેરિકાએ ભારત પર પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે, જેની સીધી અસર ડાયમંડની નિકાસ પર થઈ રહી છે. ભારતના હીરા ઉદ્યોગનો ત્રીસ ટકા હિસ્સો અમેરિકાના માર્કેટ પર આધાર રાખે છે. આ નિર્ણયના કારણે ડાયમંડની નિકાસમાં ચાલીસથી પંચાલીસ ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે, જેનાથી સુરત, પાલનપુર, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અંદાજે પંદર લાખ હીરા કારીગરો પ્રભાવિત થયા છે.

આ પડકારોના કારણે હીરા ઉદ્યોગના લગભગ 5 લાખ કારીગરોએ કાયમી નોકરી ગુમાવી છે, અને ત્રણ લાખથી વધુ કારીગરોએ અન્ય વ્યવસાય તરફ વળવાની ફરજ પડી છે. સુરતમાં એકલા 10 લાખ કારીગરો કામ કરે છે, જ્યારે અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં 5 લાખ કારીગરો સીધા પ્રભાવિત થયા છે. ઘણા કારીગરોએ ટેક્સટાઈલ સેક્ટર, ખેતી, એમ્બ્રોઈડરી અને ક્લાઉડ કિચન જેવા વિકલ્પો અપનાવ્યા છે.

વધતા ટેરિફ ઉપરાંત, લેબોરેટરીમાં તૈયાર થતા લેબ-ગ્રોન ડાયમંડ પણ ઉદ્યોગ માટે એક મોટો પડકાર બની ગયા છે. આ નવા ટ્રેન્ડને કારણે ઓર્ડરમાં ઘટાડો થયો છે અને ઘણી ફેક્ટરીઓએ સ્ટાફમાં પણ ઘટાડો કર્યો છે. સુરતમાં કેટલીક ફેક્ટરીઓએ તો સિત્તેર ટકા જેટલો સ્ટાફ ઘટાડીને માત્ર દસ ટકા સ્ટાફ સાથે કામ ચલાવવાનું શરૂ કર્યું છે.

અત્યારે, હીરા ઉદ્યોગના વેપારીઓ દુબઈ, યુરોપ, લેટિન અમેરિકા અને સ્થાનિક બજારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમ છતાં, ઉદ્યોગ સંપૂર્ણપણે અમેરિકન માર્કેટ પરથી સ્વતંત્ર થવામાં ઘણો સમય લાગશે. જોકે, કારીગરોને હજુ પણ આશા છે કે ભવિષ્યમાં ટેરિફની સ્થિતિમાં સુધારો થશે અને ફરીથી માર્કેટમાં તેજી આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!