T20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીએ ભારત સામેની મેચ રમવાની પાકિસ્તાને ના પાડી દીધી છે. આ નિર્ણય પર લેજેન્ડરી ક્રિકેટર કપિલ દેવે પાકિસ્તાનને આડેહાથ લીધું છે અને યુવા ખેલાડીઓના ભવિષ્યને લઈને મોટી ચેતવણી આપી છે.

અમદાવાદ, બુધવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ એટલે હાઈ-વોલ્ટેજ ડ્રામા. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ મેદાન પર રમત શરૂ થાય તે પહેલાં જ મેદાન બહારનું વાતાવરણ ગરમાઈ ગયું છે. વાત જાણે એમ છે કે, આગામી 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં T20 વર્લ્ડ કપ અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની હતી. પરંતુ પાકિસ્તાન સરકારે અડિયલ વલણ અપનાવતા આ મેચમાં ભારત સામે રમવાની ચોખ્ખી ના પાડી દીધી છે.
પાકિસ્તાનના આ બહિષ્કારના નિર્ણય પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને લેજેન્ડરી ક્રિકેટર કપિલ દેવ ખૂબ ગુસ્સે ભરાયા છે. તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ત્યાંની સરકારને આડેહાથ લેતા કહ્યું છે કે, આ પ્રકારના નિર્ણયોથી ભારતને કોઈ ફરક નહીં પડે, પરંતુ પાકિસ્તાનનું ક્રિકેટ બરબાદ થઈ જશે.
‘ખેલાડીઓની કારકિર્દી પર અસર પડશે’
એક મીડિયા ઈન્ટરવ્યુમાં વાત કરતા 1983ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ મુદ્દો માત્ર રાજકારણ કે દેશની ઈમેજ પૂરતો સીમિત નથી, પણ આની સીધી અસર યુવાન ક્રિકેટરોની કારકિર્દી પર પડે છે.
કપિલ દેવે કહ્યું કે, “જો ખેલાડીઓ પોતે રમવાની ના પાડે તો તેઓ સામે આવીને કહી શકે છે. પરંતુ જો ક્રિકેટ બોર્ડ એમ કહે કે ‘તમે નહીં રમો’, તો તેનાથી દેશની શાખ અને પ્રતિષ્ઠાને મોટું નુકસાન થાય છે.”
‘પાકિસ્તાન ક્રિકેટ અલગ પડી જશે’
કપિલ દેવે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે વારંવાર ટુર્નામેન્ટમાંથી ખસી જવાથી કે બહિષ્કાર કરવાથી વિશ્વ ક્રિકેટમાં પાકિસ્તાન સાવ એકલું પડી જશે. તેમણે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, “પાકિસ્તાન માટે હાલની સ્થિતિ જરાય સારી દેખાતી નથી. આવા નિર્ણયો લઈને તમે ક્રિકેટરોની એક આખી પેઢી બરબાદ કરી રહ્યા છો.” તેમનું માનવું છે કે રમતમાં રાજકારણ લાવવાથી આખરે નુકસાન ખેલાડીઓનું જ થાય છે.
શું છે સમગ્ર વિવાદ?
રવિવારે પાકિસ્તાન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેઓ T20 વર્લ્ડ કપમાં ભાગ તો લેશે, પરંતુ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે એટલે કે ભારત સામે નહીં રમે. મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશે મેચ ભારતની બહાર ખસેડવાની માંગ કરી હતી, જેને ICC એ નકારી કાઢી હતી. આ ઘટનાક્રમ બાદ પાકિસ્તાને આ આકરો નિર્ણય લીધો છે.
ICC માટે મુશ્કેલી વધી
પાકિસ્તાનના આ નિર્ણયથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ ICC ટુર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાન મેચ કમાણીનું મુખ્ય સાધન હોય છે. બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ અને જાહેરાતોની આવકનો મોટો હિસ્સો આ હાઈ-પ્રોફાઈલ મેચ પર નિર્ભર હોય છે. હવે જો પાકિસ્તાન રમવાની ના પાડે, તો ICCને આર્થિક અને વ્યવસ્થાપકીય રીતે મોટું નુકસાન વેઠવું પડી શકે છે.











