કહેવાય છે કે, હજારો માઈલની સફર પણ એક નાના ડગલાંથી જ શરૂ થાય છે. પણ જ્યારે એ ડગલાંમાં લોકોનો પ્રેમ અને અતૂટ વિશ્વાસ ભળે, ત્યારે એક સામાન્ય સફર ઈતિહાસ બની જાય છે. આજે ‘વીયુ નેટવર્ક’ માટે એવો જ એક ગૌરવવંતો દિવસ છે. 26 જાન્યુઆરી, 2021ના રોજ શરૂ થયેલી અમારી આ સફરે આજે સફળતાપૂર્વક 5 વર્ષ પૂરા કર્યા છે. ચાલો આજે વાત કરીએ એ સફરની જે શૂન્યમાંથી શરૂ થઈને શિખર સુધી પહોંચી છે.

ગાંધીનગર, સોમવાર
26 જાન્યુઆરી, 2021….આખો દેશ ગણતંત્ર દિવસની ઉજવણીના રંગમાં હતો. બરાબર એ જ સમયે ડિજિટલ મીડિયામાં એક નવા અવાજનું આગમન થયું, જેનું નામ ‘વીયુ નેટવર્ક’. અમારો ઈરાદો પહેલા દિવસથી જ સાફ હતો, સામાન્ય માણસ સુધી સાચી, સચોટ અને કોઈપણ મસાલા વગરની સીધી વાત પહોંચાડવી. શરૂઆત નાની હતી, પણ અમારી ટીમનો જુસ્સો ઘણો મોટો હતો.

વેબસાઈટથી મોબાઈલ સ્ક્રીન સુધી
શરૂઆતમાં અમે વેબસાઈટ, ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી તમારી પાસે આવ્યા. સાચું કહું તો ત્યારે કલ્પના પણ નહોતી કરી કે આ નાનકડો પ્રયાસ એક દિવસ વટવૃક્ષ બની જશે. શરૂઆતમાં પડકારો ઘણા હતા, પણ અમારી મહેનત અને તમારા પ્રેમે અમને ક્યારેય થાકવા ન દીધા.

સમય બદલાયો તેમ અમે પણ બદલાયા. અમે માત્ર સમાચાર આપીને અટક્યા નહીં, પણ તમારી સાથે સીધો સંવાદ કર્યો. તમે વેબસાઈટ પર આર્ટિકલ વાંચ્યા, યુટ્યુબ પર વીડિયો જોયા અને હવે ઈન્સ્ટાગ્રામ પર પણ તમે અમને એટલો જ પ્રેમ આપી રહ્યા છો. આજે જ્યારે આખી દુનિયા મોબાઈલ સ્ક્રીનમાં છે, ત્યારે વીયુ નેટવર્ક દરેક પ્લેટફોર્મ પર તમારી સાથે છે.

તમારો વિશ્વાસ, એ જ અમારી સાચી કમાણી
વીતેલા 5 વર્ષમાં ટેકનોલોજી બદલાઈ અને ટ્રેન્ડ્સ પણ બદલાયા. પણ એક વસ્તુ જે કાયમ રહી, તે છે તમારો વિશ્વાસ. જ્યારે અમે સત્ય રજૂ કર્યું, તમે તેને વધાવ્યું. તમારા દરેક લાઈક, શેર અને કોમેન્ટ અમારા માટે માત્ર આંકડા નથી, પણ તમારા પ્રેમનું પ્રૂફ છે.

તમારા આ પ્રેમને કારણે જ આજે અમને એ જણાવતા ગર્વ થાય છે કે વીયુ નેટવર્ક સાથે માસિક 60 મિલિયન વ્યુઅર્સ જોડાયેલા છે અને દૈનિક 20 લાખથી વધુ વ્યુઅર્સ અમારા કન્ટેન્ટને નિહાળે છે. આ સફળતાનો સાચો શ્રેય અમારી ટીમ કરતા પણ વધારે તમને એટલે કે અમારા દર્શકોને જાય છે.

આપ સૌનો દિલથી આભાર
આજે પાછળ વળીને જોઈએ છીએ ત્યારે સંતોષ ચોક્કસ થાય છે, પણ આ તો માત્ર એક પડાવ છે. 5 વર્ષ પૂરા થવાના અવસરે અમે ફરી સંકલ્પ કરીએ છીએ કે તમને હંમેશા સૌથી પહેલા અને સૌથી સાચા સમાચાર આપતા રહીશું.

વીયુ નેટવર્કને તમારા પરિવારનો હિસ્સો બનાવવા બદલ અને સતત અમારી પડખે ઊભા રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર.










