આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પાછળથી ટ્રકે ટક્કર મારતાં સુરતથી અંબાજી જઈ રહેલી લક્ઝરી બસ આગળ ચાલતા ટેન્કર સાથે અથડાઈ હતી.

આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. પાછળથી ટ્રકે ટક્કર મારતાં સુરતથી અંબાજી જઈ રહેલી લક્ઝરી બસ આગળ ચાલતા ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર આશરે 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ, આણંદ ફાયર વિભાગ અને એક્સપ્રેસ વે પેટ્રોલિંગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે કરમસદ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતથી અંબાજી તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ વે પર પસાર થઈ રહી હતી. બસ આણંદ નજીક પહોંચી ત્યારે હેવી મશીનરી ભરેલા ટ્રકના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો.
ટ્રક પાછળથી લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ટક્કરના કારણે બસ આગળ ધકેલાઈ હતી અને આગળ જઈ રહેલા ટેન્કરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. આમ, ટ્રક, લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કઢાયા
અકસ્મતાને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાક મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર વિભાગ અને અન્ય બચાવ ટીમોએ મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં આશરે 10 મુસાફરોને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કરમસદ મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ મુસાફરનું મોત થયું નથી.
અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર ટ્રાફિકજામ
ત્રણ વાહનો વચ્ચે થયેલા અકસ્માતને કારણે એક્સપ્રેસ વે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ અને પેટ્રોલિંગ ટીમે ત્રણેય વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી કરી હતી.
ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અકસ્માત અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










