અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ વિઝા એક્સટેન્શનના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરી છે.

અમેરિકામાં H-1B સહિત વિવિધ શ્રેણીના વર્ક વિઝા ધારકો માટે એક્સટેન્શન મેળવવાની પ્રક્રિયા વધુ કડક બની શકે છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ વિઝા એક્સટેન્શનના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરી છે. આ ફેરફાર લાગુ થશે તો અગાઉ એક જ નોકરીદાતા, કર્મચારી અને નોકરી માટે મળેલી વિઝા મંજૂરીને નવી અરજીમાં આપમેળે પ્રાધાન્ય મળશે નહીં.
આ દરખાસ્તથી ખાસ કરીને H-1B વિઝા પર અમેરિકામાં કામ કરતા ભારતીયો સહિત વિદેશી કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓને વધુ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર પડી શકે છે. જોકે, આ ફેરફાર હજુ પ્રસ્તાવના તબક્કામાં છે. હાલના નિયમો યથાવત છે.
13 નવેમ્બર સુધી જાહેર જનતા પાસેથી સૂચનો મંગાવાયા
DHSએ 14 ઓક્ટોબર, 2026ના રોજ ફેડરલ રજિસ્ટરમાં આ દરખાસ્ત પ્રકાશિત કરી હતી. તેના પર જાહેર જનતા અને સંબંધિત હિસ્સેદારો પાસેથી 13 નવેમ્બર, 2026 સુધી પ્રતિભાવો મંગાવવામાં આવ્યા છે.
આ દરખાસ્ત હેઠળ USCIS નિયમોમાંથી 8 CFR 214.1(c)(5)ની જોગવાઈ દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે. આ જોગવાઈ હાલમાં સમાન પક્ષકારો અને સમાન તથ્યો ધરાવતી વિઝા એક્સટેન્શન અરજીમાં અગાઉના મંજૂર નિર્ણયને પ્રાધાન્ય આપવાની સૂચના આપે છે.
DHSના અંદાજ પ્રમાણે, આ ફેરફાર વાર્ષિક આશરે 2,08,429 અરજીઓને અસર કરી શકે છે. તેમાં H-1B, L-1, O-1, TN અને E જેવી નોન-ઇમિગ્રન્ટ વર્ક વિઝા શ્રેણીઓનો સમાવેશ થાય છે.
અગાઉની વિઝા મંજૂરીને હવે આપમેળે પ્રાધાન્ય નહીં મળે
હાલના નિયમ મુજબ, જો કોઈ નોકરીદાતા સમાન કર્મચારી, સમાન નોકરી અને સમાન પરિસ્થિતિઓમાં વિઝા એક્સટેન્શન માટે અરજી કરે છે, તો USCIS સામાન્ય રીતે અગાઉની મંજૂરીને ધ્યાનમાં રાખે છે.
જોકે, અગાઉના નિર્ણયમાં મહત્વપૂર્ણ ભૂલ થઈ હોય, સંજોગોમાં મોટો ફેરફાર થયો હોય અથવા પાત્રતા અંગે નવી મહત્વપૂર્ણ માહિતી સામે આવી હોય તો અધિકારીઓ અલગ નિર્ણય લઈ શકે છે.
હવે DHS આ પ્રાધાન્ય આપવાની જોગવાઈ દૂર કરવા માંગે છે. જો દરખાસ્ત મંજૂર થશે, તો USCIS અધિકારીઓ દરેક નવી અરજીની સ્વતંત્ર રીતે સમીક્ષા કરી શકશે. અગાઉ મંજૂર થયેલા મુદ્દાઓની પણ ફરી તપાસ થઈ શકશે.
અગાઉની મંજૂરીને પુરાવા તરીકે ધ્યાનમાં લઈ શકાશે, પરંતુ અધિકારીઓ માટે તેને પ્રાધાન્ય આપવું ફરજિયાત રહેશે નહીં.
DHS નિયમોમાં ફેરફાર શા માટે કરવા માંગે છે?
DHSનું કહેવું છે કે વિઝા માટે પાત્રતા સાબિત કરવાની જવાબદારી અરજી કરનાર નોકરીદાતા અથવા અરજદારની છે. અગાઉની મંજૂરીને પ્રાધાન્ય આપવાની જોગવાઈને કારણે USCIS અધિકારીઓ પર અગાઉના નિર્ણયથી અલગ થવા માટે ભૂલ કે સંજોગોમાં ફેરફાર સાબિત કરવાની જવાબદારી આવી શકે છે.
વિભાગના મતે, આ વ્યવસ્થાથી કેટલીક અરજીઓની સંપૂર્ણ તપાસ મર્યાદિત થઈ શકે છે. અગાઉ કોઈ અરજીમાં ભૂલથી મંજૂરી મળી હોય તો પણ નવી અરજીમાં તે જ નિર્ણયનું પુનરાવર્તન થવાનું જોખમ રહે છે.
DHS હવે દરેક અરજીમાં ઉપલબ્ધ દસ્તાવેજો અને પાત્રતાની ફરીથી તપાસ કરવા માગે છે. તેના મતે, આ પગલાથી ખોટી માહિતી, અસંગતતા અને સંભવિત છેતરપિંડી શોધવામાં મદદ મળશે.
H-1B ધારકો પાસેથી વધુ દસ્તાવેજો માંગવામાં આવી શકે
DHSના દસ્તાવેજ મુજબ, Form I-129 હેઠળ આવતી અરજીઓમાં H-1B વિઝાનો હિસ્સો 75 ટકાથી વધુ છે. તેથી પ્રસ્તાવિત ફેરફારની સૌથી વધુ અસર H-1B અરજદારો પર પડી શકે છે.
નવા અભિગમ હેઠળ USCIS અધિકારીઓ એક્સટેન્શનની અરજીમાં વધારાના પુરાવા માગી શકે છે. આ માટે RFE એટલે કે Request for Evidence જારી થઈ શકે છે. અધિકારીઓ નોકરીની જવાબદારીઓ, કર્મચારીની લાયકાત અને વિઝા શ્રેણી હેઠળની પાત્રતા અંગે ફરી તપાસ કરી શકશે.
DHSનો અંદાજ છે કે આ ફેરફારથી દર વર્ષે આશરે 6,044 વધારાના RFE જારી થઈ શકે છે. પરિણામે નોકરીદાતાઓએ વધુ દસ્તાવેજો તૈયાર કરવા પડશે. અરજીની પ્રક્રિયામાં સમય અને ખર્ચ પણ વધી શકે છે.
નિયમ ક્યારે અમલમાં આવશે?
મહત્વપૂર્ણ બાબત એ છે કે DHSની આ જાહેરાત હજુ અંતિમ નિયમ નથી. હાલમાં માત્ર દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને તેના પર 13 નવેમ્બર, 2026 સુધી જાહેર પ્રતિભાવો મંગાવવામાં આવ્યા છે.
DHS તમામ પ્રતિભાવો પર વિચારણા કર્યા બાદ અંતિમ નિયમ જાહેર કરી શકે છે. ત્યારબાદ જ તેની અમલવારી અંગે સ્પષ્ટતા થશે. ત્યાં સુધી H-1B સહિત સંબંધિત વર્ક વિઝા એક્સટેન્શન માટે હાલની જોગવાઈઓ લાગુ રહેશે.
આથી અમેરિકામાં કામ કરતા ભારતીય કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓએ દરખાસ્તની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે.










