જૂનાગઢમાં ગરવા ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાને લઈને ધાર્મિક માહોલ જામવા લાગ્યો છે. આગામી 20થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારી લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે.

જૂનાગઢમાં ગરવા ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાને લઈને ધાર્મિક માહોલ જામવા લાગ્યો છે. આગામી 20થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારી લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. જિલ્લા પ્રશાસન અને સાધુ-સંતો દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ, પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ વિવિધ અખાડાઓના સાધુ-સંતોનું જૂનાગઢમાં આગમન શરૂ થઈ ગયું છે.
જિલ્લા કલેક્ટરે પણ પરિક્રમા સાથે જોડાયેલી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપીને તૈયારીઓની સમીક્ષા કરી હતી.
લીલી પરિક્રમા પહેલાં સાધુ-સંતોનું આગમન
ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી. આ વર્ષે ફરી પરિક્રમાનું આયોજન થતાં ભક્તો અને સાધુ-સંતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વિવિધ અખાડાઓના સંતો ધીમે ધીમે જૂનાગઢ પહોંચી રહ્યા છે. કેટલાક સ્થળોએ સંતો દ્વારા ધૂણા પણ ધખાવવામાં આવ્યા છે. આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતો પરિક્રમામાં જોડાય તેવી શક્યતા છે.
પરિક્રમા હજુ શરૂ થઈ નથી, તેમ છતાં ગિરનારના રસ્તાઓ અને ભવનાથ વિસ્તારમાં ધાર્મિક માહોલ સર્જાવા લાગ્યો છે.
જૂનાગઢના જાહેર માર્ગો પર સાધુઓનું વિચરણ
જૂનાગઢ અને ગિરનારનો સાધુ-સંતો સાથે વર્ષો જૂનો નાતો રહ્યો છે. ગિરનારી સંતોની પરંપરામાં વેલનાથ બાપુ અને વાઘનાથ બાપુ જેવા સંતોનાં નામ જાણીતા છે.
ધાર્મિક માન્યતા મુજબ, ગિરનાર પર્વત અને તેની આસપાસના જંગલ વિસ્તારમાં અનેક સંતો તપસ્યા કરતા આવ્યા છે. લીલી પરિક્રમા અને ભવનાથના મેળા દરમિયાન આવા સાધુ-સંતોનું આગમન થતું હોય છે.
હાલ જૂનાગઢના જાહેર માર્ગો પર સાધુ-સંતોનું વિચરણ જોવા મળી રહ્યું છે. પરિક્રમાના ચાર મુખ્ય પડાવ જીણા બાવાની મઢી, માળવેલા, બોરદેવી અને ભવનાથમાં પણ સંતોની હાજરી જોવા મળી રહી છે.
20 નવેમ્બરથી શરૂ થશે પરિક્રમા
આગામી 20 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા 24 નવેમ્બર સુધી ચાલશે. આ ધાર્મિક આયોજનમાં દર વર્ષે ગુજરાત સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે.પરિક્રમાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ભક્તો અને સાધુ-સંતોના આગમન સાથે જૂનાગઢમાં ધીમે ધીમે પરિક્રમાનો માહોલ બની રહ્યો છે.










