અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં હાઈવે નજીક આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટમાં એક બેકાબૂ મિનિબસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી

અમદાવાદ જિલ્લાના ધંધુકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં હાઈવે નજીક આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટમાં એક બેકાબૂ મિનિબસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં મિનિબસના ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બસમાં સવાર પરિવારના 10 સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, અમદાવાદનો એક પરિવાર મિનિબસમાં સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોની યાત્રાએ ગયો હતો. પરિવાર સાળંગપુર મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ધંધુકા નજીક અચાનક મિનિબસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
બેકાબૂ બનેલી મિનિબસ સીધી હાઈવે નજીક આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ હતી. બસ રેસ્ટોરન્ટના આગળના ભાગ સાથે અથડાતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાને પગલે પરિવારના સભ્યોમાં ચીસાચીસ થઈ હતી.
ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ, મિનિબસ ચાલકને ડ્રાઇવિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ અકસ્માતમાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ, બસમાં સવાર પરિવારના 10 સભ્યોનો બચાવ થયો હતો. રેસ્ટોરન્ટમાં હાજર લોકો પણ સદનસીબે બચી ગયા હતા.
પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
અકસમાતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હાલ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચાલકની તબિયત, વાહનની સ્થિતિ અને અકસ્માતનાં અન્ય સંભવિત કારણોની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની વિગતો સ્પષ્ટ થશે.










