District

મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો : ૨૫૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા

- અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કેના હસ્તે 'રન ફોર વોટ’ને ફ્લેગ ઓફ કરાઇ

- સંયુક્ત સીઈઓ પી.ડી. પલસાણા અને એ.બી. પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ

અમદાવાદ, રવિવાર

 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી TIP (Turnout implementation Plan) હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજવામાં આવી છે. આ બાબતે ચૂંટણી પંચ તરફથી નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર અમદાવાદ શહેર અને જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કેના હસ્તે 'રન ફોર વોટ’ને ફ્લેગ ઓફ કરાઈ હતી. આ પ્રસંગે સંયુક્ત સીઈઓ પી.ડી. પલસાણા અને એ.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, ઔડાના સીઈઓ ડી.પી. દેસાઈ, આરએમસી રવીન્દ્ર ખટાલે, ડે. મ્યુનિ. કમિશનર આઈ.કે. પટેલ તથા રમેશ મેરજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રન ફોર વોટ યોજાઈ હતી.

  રિવરફ્રન્ટ ખાતે આયોજિત 'રન ફોર વોટ'માં અંદાજિત ૨૫૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકોએ જોડાઈને 'મતદાન જાગૃતિ' અભિયાનનો નારો બુલંદ કર્યો હતો. સાબરમતી ઇવેન્ટ સેન્ટર, અટલ બ્રિજથી પ્રસ્થાન થયેલ 'રન ફોર વોટ' સ્પોર્ટ્સ સેન્ટર થઈને ત્યાંથી અટલબ્રિજ પરત ફરી હતી.આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં નાગરિકોએ ‘રન ફોર વોટ’ અંતર્ગત દોડ લગાવીને મતદાન જાગૃતિ પ્રસરાવી હતી. સરકારી અધિકારી-કર્મચારીઓએ પણ મતદાન જાગૃતિ અર્થે દોડ લગાવી હતી અને જિલ્લાના સૌ નાગરિકોને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો હતો. 

 લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત આગામી તા. ૭મી મેએ મંગળવારના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે  ‘રન ફોર વોટ’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને અચૂક મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી 'રન ફોર વોટ' કાર્યક્રમમાં  ટીઆઈપીના નોડલ અધિકારી અને ડે. મ્યુનિ. કમિશનર સી.એમ.ત્રિવેદી, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠકકર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી નેહાબહેન ગુપ્તા,  જિલ્લા પોલીસ અધિક્ષક મેઘા તેવાર, જિલ્લા અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મતદાન જાગૃતિ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘રન ફોર વોટ’નો કાર્યક્રમ યોજાયો : ૨૫૦૦થી વધુ યુવાનો, પોલીસ જવાનો, શિક્ષકો તેમજ નાગરિકો જોડાયા